-
આ જ એકાંતિકનું એકાંત.....
તા. 7-12-2016, સુરત આજે પ્રમુખસ્વામી મહારાજના જન્મજયંતી મહોત્સવની મુખ્ય સભા માટે શ્રી અમિતભાઈ શાહ (રાષ્ટ્રીય અધ્યક્ષ, ભાજપ) તથા શ્રી વિજયભાઈ રૂપાણી (મુખ્યમંત્રીશ્રી) આવવાના હતા. સભામાં પધારતાં પહેલાં જ તેઓ સાથે સ્વામીશ્રીની વ્યક્તિગત મુલાકાત યોજાઈ હતી. તે માટે સ્વામીશ્રી મહાનુભાવોના મિલન કક્ષમાં પધારેલા. અહીં બિરાજી તેઓ અતિથિઓની પ્રતીક્ષામાં હતા. તેઓની સામે જ હરિકૃષ્ણ મહારાજને વિરાજમાન કરેલા. સાથેના સૌ સંતો પોતપોતાના સેવાકાર્યમાં પ્રવૃત્ત થયેલા. તે સમયે સ્વામીશ્રી નેત્રો મીંચીને હાથમાં જપમાળા લઈ ‘સ્વામિનારાયણ’ મહામંત્રનો જાપ કરવા લાગેલા. એક બાજુ હજારો હરિભક્તોની મેદનીથી ભરચક સભામંડપ ગાજી રહેલો, તો બીજી બાજુ રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ ઉપસ્થિત થવાની ઘડીઓ ગણાઈ રહેલી. એ વખતે સ્વામીશ્રી ભગવાનના ભજનમાં એકતાર થઈ ગયા હતા ! આ જ એકાંતિકનું એકાંત.
-
35 વર્ષનું વ્યસન એક ઝાટકે ગયું !
તા. 6-12-2016, સુરત પ્રમુખસ્વામી મહારાજના જન્મજયંતી મહોત્સવ નિમિત્તે યોજાયેલા ‘સ્વામિનારાયણ નગર’ના પ્રદર્શન ખંડોમાં સેવા આપનાર કેટલાક ખ્યાતનામ કલાકારો આજે સ્વામીશ્રીનાં દર્શન-આશીર્વાદ પ્રાપ્ત કરવા આવ્યા હતા. તેમાં એક હતા - સન 2016માં ટી.વી. સીરિયલોના ક્ષેત્રે શ્રેષ્ઠ દિગ્દર્શકનો ઍવોર્ડ પ્રાપ્ત કરનારા શ્રી અરવિંદ બબ્બલ. તેઓ છેલ્લાં 35 વર્ષથી દિવસની 45 સિગારેટ પીતા હતા. તેઓને આ વ્યસનની લત એવી વળગેલી કે એક વાર તેમને પૉલેન્ડ જવાનું હતું. તે માટે 13 કલાકની સીધી ફ્લાઇટ મળતી હતી, પણ એમ કરતાં 13 કલાક સિગારેટનો વિરહ સહન કરવો પડે, જે તેમને મંજૂર નહોતું. તેથી તેમણે દર બે કલાકે 2-3 સિગારેટનો કશ લઈ લેવા માટે કનેક્ટિંગ ફ્લાઇટ લીધી હતી. આ રીતે તેઓ 36 કલાકે પૉલેન્ડ પહોંચેલા. ત્યાંથી પાછા વળતાં એવું જ કરવું હતું. પણ ખબર પડી કે મોસ્કોમાં ઍરપોર્ટ પર ધૂમ્રપાનની સખત મનાઈ છે. કોઈ પકડાય તો 1 લાખ 20 હજાર રૂપિયાનો ભારે દંડ છે. છતાં આ અરવિંદભાઈએ નક્કી કરેલું કે ‘સિગારેટ તો પીવી પડશે જ. જો પકડાઈ જઈએ ને દંડ ભરવો પડે તો ભરી દઈશું.’ આવા અઠંગ વ્યસની તેઓ પ્રમુખસ્વામી મહારાજના જન્મજયંતી મહોત્સવમાં યોજાયેલ ‘મુક્તાનંદ’ પ્રદર્શનની સેવા નિમિત્તે સંતોના સંપર્કમાં આવેલા. તેઓ દ્વારા જ આજે સ્વામીશ્રીનાં દર્શન કરવા આવી પહોંચેલા. અહીં આવતાં પહેલાં સંતોએ તેઓને વ્યસન છોડવા વાત કરેલી. આ વાત તેઓના ગળે ઊતરે તેમ જ નહોતી. તેથી તેઓ એટલું તો નક્કી કરીને જ આવ્યા હતા કે ‘45 નહીં પણ દિવસની 10 સિગારેટ તો પીવી જ પડશે.’ પરંતુ સ્વામીશ્રીનાં દર્શન થતાં જ સ્વામીશ્રીની આંખોમાંથી નીકળતા પ્રેમપ્રવાહ અને સ્પર્શે તેઓ પર જાદુ કર્યો. સ્વામીશ્રી તેમની વાત સાંભળીને આંખોમાં આંખો પરોવી બે હાથ ઘસીને એટલું જ બોલ્યા : ‘ગયું...’ બસ, આ બે જ શબ્દોથી તેમનું 35 વર્ષનું વ્યસન એક ઝાટકે ગયું ! તેમની આંખોમાંથી શ્રવણ-ભાદરવો વરસવા લાગ્યો. ગદ્ગદ કંઠે તેઓ બોલ્યા : ‘मैं इस अभिशाप से मुक्त हो गया। बरसों पहले मैंने मेरे पिता गवाएँ थे। और आज जब महंत स्वामी महाराज ने मेरा हाथ पकडा तब मुझे लगा कि मेरे पिताजी ने ही मेरा हाथ थामा है और मुझे आशीर्वाद दे रहे हैं।’ તેઓનું આ વ્યસન એવું તો ગયું કે થોડા દિવસ પછી એક યુવકના મોઢામાંથી સિગારેટનો ધુમાડો તેમના મુખ પર આવ્યો તો પણ અરવિંદભાઈને એલર્જી થઈ ગઈ ! તેઓએ આ પ્રસંગ બન્યાના થોડા દિવસ બાદ સ્વામીશ્રીને પત્ર લખીને પણ જણાવેલું કે ‘जय स्वामिनारायण। मैं और मेरा परिवार आपका बहुत आभारी हैं, बहुत आभारी हैं। बहुत सौभाग्यशाली हैं कि हमें आपका आशीर्वाद मिला। स्वामीजी ! मैं जीवनभर तम्बाकू से बनी किसी भी चीज को हाथ नहीं लगाउँगा, ये कसम मैंने आपके पहले दर्शन के समय खाई थी। स्वामीजी ! आपके आशीर्वाद से न तो जरा-सा भी मन करता है सिगारेट पीने का और न ही कोई तकलीफ हुई मुझे। दूसरों के भले में अपना भला है, इस सिद्धांत पर मैं और मेरा पूरा परिवार चल सके ऐसे आशीर्वाद की अपेक्षा है। सादर चरणस्पर्श, एक नया हरिभक्त, अरविंद बब्बल।’ સૌ ‘પારસના સમ છે સંતોની કાયા, લોઢું કંચન થઈ જાય...’નો સાક્ષાત્ અનુભવ સ્વામીશ્રીમાં કરી રહ્યા.
-
નહીં તો આ સંભવે નહીં.....
તા. 7-12-2016, સુરત આજે પ્રમુખસ્વામી મહારાજના જન્મજયંતી દિને સ્વામીશ્રી પ્રાતઃપૂજા માટે ગાડીમાં બિરાજીને ‘સ્વામિનારાયણ નગર’ તરફ જઈ રહેલા. તે વખતે તેઓને સંતોએ પૂછ્યું કે ‘આજે સવારે આપને શું વિચાર આવ્યા?’ ‘એક જ વિચાર - નરી દિવ્યતા. પ્રમુખસ્વામી મહારાજ હાજર છે. નહીં તો આ સંભવે નહીં. સંપેલું વાતાવરણ. એકબીજાને મદદ કરવાની ભાવના. દાતાઓએ જે સેવા કરી છે તે બધાનાં હૃદયમાં બાપા બેઠા છે, નહીં તો આ બને જ નહીં.’ સ્વામીશ્રીનું મન ફક્ત આજે જ નહીં પણ સદાય ગુરુહરિમાં ખોવાયેલું રહે છે - તે વાત આજે સૌને વિશેષ સમજાઈ.
-
અમર વારસો ગુણાતીતનો....
તા. 6-12-2016, સુરત મંદિરનો પાટોત્સવ વિધિ પૂર્ણ કરી સ્વામીશ્રી ઉતારે પધારેલા. તે વખતે સેવામાં સાથે ફરી રહેલા અરવિંદભાઈએ પૂછ્યું : ‘20 વર્ષ પહેલાં સુરત મંદિરની પ્રતિષ્ઠા વખતે જે પ્રમુખસ્વામી મહારાજ આવ્યા હતા તે જ તમે ને ?’ ‘લાઇન ચાલુ છે.’ સ્વામીશ્રીએ માર્મિક જવાબ આપ્યો. ‘અમર વારસો ગુણાતીતનો, સતત ચાલતો શ્રીહરિ તણો...’નો રણકો તેઓના આ શબ્દોમાં હતો.
-
‘ચાલશે’નું વલણ ચાલે તેમ નથી
તા. 5-12-2016, સુરત આજની સાંજે સ્વામીશ્રી ફળનો મેવો અંગીકાર કરતા હતા ત્યારે શ્રુતિપ્રકાશદાસ સ્વામી આવતીકાલે સુરત મંદિરના દ્વિદશાબ્દી મહોત્સવ નિમિત્તે યોજાનાર પાટોત્સવ વિધિની માહિતી આપી રહ્યા હતા. તે સાંભળતાં સ્વામીશ્રી વિધિ-વિધાનમાં સંતોએ રાખેલી ચીવટ-ચોકસાઈથી રાજી થયા અને પોતાની જીવનભાવના રજૂ કરતાં બોલ્યા : ‘કરવું તો બરાબર કરવું, નહીં તો ન કરવું.’ સ્વામીશ્રી કાર્યમાં પૂર્ણતાના આગ્રહી છે. તેઓ આગળ ‘ચાલશે’નું વલણ ચાલે તેમ નથી.
-
આ બારીમાંથી જતાં રહેવું છે ?’
તા. 3-12-2016, સુરત બપોરનું ભોજન પૂર્ણ કરીને સ્વામીશ્રી શયનકક્ષમાં પધારવા માટે સંતો વચ્ચેથી હાથ જોડીને આગળ વધી રહેલા. અહીં મુખ્ય પ્રવેશદ્વારમાંથી પ્રવેશવા થોડું ફરીને આગળ જવું પડે તેમ હતું. તેથી સેવકોને વિચાર આવ્યો ને રૂમની વિશાળ બારીનો નિર્દેશ કરતાં સ્વામીશ્રીને જણાવ્યું કે ‘આ બારીમાંથી જતાં રહેવું છે ?’ સ્વામીશ્રીએ તરત જ ‘હા’ પાડી અને આજુબાજુ ઊભેલા સંતોની હર્ષ-કિલકારીઓ વચ્ચે તેઓ બારીમાંથી હસતાં હસતાં ઓરડામાં પ્રવેશ્યા. તેથી મુખ્ય પ્રવેશદ્વાર પર સ્વામીશ્રીની પ્રતીક્ષા કરી રહેલા સંતો-ભક્તો ત્યાં દોડી આવ્યા. તેઓ પણ આ જોઈને ખૂબ આનંદમાં આવી ગયા. તેમાંના એક યુવકે સ્વામીશ્રીને પૂછ્યું : ‘આપ આ ઘરમાં શોર્ટકટથી પ્રવેશ્યા તેમ અમને અક્ષરધામનો શોર્ટકટ બતાવો ને !’ ‘સત્પુરુષ !’ સ્વામીશ્રી એક જ શબ્દમાં જવાબ આપતાં ઓરડામાં પધારી ગયા. ‘સંત સુકાની સાચે મળે તો, પાર પહોંચી જવાય...’ એ ભાવ તેઓના શબ્દોમાં ઘૂંટાતો હતો.
-
સ્વામિનારાયણ ભગવાનની પાછળ ફરે છે
તા. 3-12-2016, સુરત આજે યજ્ઞના તૃતીય દિવસે યજ્ઞનો શુભારંભ કરી સ્વામીશ્રીએ યજ્ઞશાળામાંથી વિદાય લીધી. તેઓની ગાડીની આગળ અને પાછળ મોટરોની હારમાળા ચાલી રહી હતી. હજારો હરિભક્તો પણ હાથ જોડીને ભાવપૂર્વક એકચિત્તે દર્શન કરી રહ્યા હતા. પણ સ્વામીશ્રી આ માન-સન્માનથી તદ્દન નિર્લેપ જણાતા હતા. તે સંદર્ભમાં સંતોએ પૃચ્છા કરતાં સ્વામીશ્રી બોલ્યા : “(આ બધું) ઠાકોરજીને લીધે જ છે. (મારી) જય બોલાય ત્યારે ‘ઠાકોરજી અને અક્ષરપુરુષોત્તમ મહારાજનું સન્માન છે’ એમ ધારીને છૂટા ! ડૉક્ટર સ્વામી વગેરે દંડવત કરે તો ઠાકોરજીને બાયપાસ કરી દઉં...! ભારે પડી જાય.” આટલું કહી થોડાક વિરામ બાદ કહ્યું : ‘ભગતજી મહારાજ કહેતા - ‘આ બધા મારી પાછળ નથી ફરતા પણ મારામાં રહેલા સ્વામિનારાયણ ભગવાનની પાછળ ફરે છે...’ આ સહજ શબ્દો દ્વારા સ્વસ્વરૂપની સ્પષ્ટ ઓળખાણ કરાવીને તરત દાસત્વપણાનો દોર પકડતાં સ્વામીશ્રીએ કહ્યું કે ‘પા ટકાનોય ભાર નહીં, બધું મહારાજ પર. આપણે છૂટાના છૂટા.’ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ‘સંતને તો મોટપ ભગવાનની ઉપાસના ને ભક્તિ તે વડે છે. ને બીજું સંતને આત્મનિષ્ઠા છે તે મોટપે મોટપ છે...’ આ મોટપનું દર્શન આજે સૌ સ્વામીશ્રીમાં કરી રહ્યા.
-
કેવું દિવ્ય-ભવ્ય જીવન છે સ્વામીશ્રીનું !
તા. 2-12-2016, સુરત મહાયાગનો વિધિ સંપન્ન કરીને સ્વામીશ્રી ઉતારે પાછા પધારતા હતા ત્યારે ગાડીમાં તેઓની ચિત્રકળાની વાત નીકળી. તેના અનુસંધાનમાં સંતોએ પૂછ્યું : ‘આપ દિવાળીકાર્ડ પર કુદરતી સૌંદર્યનાં ચિત્રો દોરતા. તેવું મોટા કેનવાસ પર દોરેલું છે ?’ ‘ના.’ આટલું કહી તેઓએ સ્વયં જ કુદરતી સૌંદર્યનાં ચિત્રો શા માટે દોરતાં તેની વાત કરતાં કહ્યું : ‘મહારાજની મૂર્તિ વગેરે પગમાં આવે ને અસ્તવ્યસ્ત થાય એટલે નો’તો દોરતો.’ ‘આપને પેઇન્ટિંગ શીખવાની ઇચ્છા થઈ હતી ? આપ શીખ્યા’તા ?’ ‘ના, એવું કાંઈ નહીં, ઇચ્છાય નહીં. સ્કૂલમાં (ચિત્રકામમાં) ફર્સ્ટ નંબર આવતો.’ પછી સ્વતઃ તેઓના ભણતરની વાત કરતાં કહ્યું : ‘ચોથો નંબર આવ્યો જ નથી. કલાસમાં જ બધું પતી જાય. પુસ્તકોય (વાંચવાની જરૂર) નહીં.’ ‘સ્વામી ! આપે કોઈ કાર્ય કર્યું હોય ને યશ ન મળે તો આપને ક્યારેય અફસોસ થાય ?’ ‘કોઈ દિવસ નહીં.’ આટલું કહી હસી પડતાં કહે : ‘પહેલેથી કોઈ મારા પર કાબૂ ન કરી શકે.’ પછી ઉમેર્યું કે ‘પણ યોગીબાપા મળ્યા ને એકદમ ચોંટી ગયો. એમની શોધમાં હતો. એ મળ્યા પછી બધું ગૌણ થઈ ગયું.’ આ સાંભળી સંતોએ પૂછ્યું : ‘સ્વામી ! કયારેય આપને ફરિયાદ કરવાનું મન થયું છે ?’ ‘ના, કોઈ દિવસ નહીં.’ આટલું કહી થોડી વારે ઉમેર્યું : ‘આમ, નેચરલી(naturally) કુદરતી રીતે જ (ફરિયાદ કરવાનું) નહીં.’ ફરિયાદ અને અફસોસ વિનાનું કેવું દિવ્ય-ભવ્ય જીવન છે સ્વામીશ્રીનું !
-
વીસેક વર્ષ પહેલાંની.....
તા. 2-12-2016, સુરત આજે સ્વામીશ્રી જ્યારે ‘શ્રીસ્વામિનારાયણ મહાયાગ’ના દ્વિતીય ચરણમાં જઈ રહ્યા હતા ત્યારે ભદ્રેશદાસ સ્વામીએ તેઓને પૂછ્યું : ‘આપે ક્યારેય કીર્તન કે શ્લોક એવું કાંઈ લખેલું ?’ ‘હા, બાપા વિષે. પણ બીજાના નામે. કારણ કે મારા નામે આપું તો પહેલો નંબર આપી દે.’ સ્વામીશ્રીએ જણાવ્યું. આમ, પ્રથમથી જ બીજાને આગળ વધારવાનું તાન. મત્સરમુક્ત અંતઃકરણ વિના આવું શેં સંભવે ! પણ તેઓના આ ઉત્તર પરથી ખ્યાલ આવ્યો કે સ્વામીશ્રી કોઈ સ્પર્ધાની વાત કરી રહ્યા છે. તેથી સંતોએ પૂછ્યું : ‘આપને એ કીર્તનના શબ્દો યાદ છે ?’ ‘આપ છાના રહ્યા, કોઈને સમજાયા નહીં... એવું કંઈક છે !’ ‘સ્પર્ધામાં આપનો નંબર આવ્યો’તો ?’ ‘હા, ત્રીજો.’ ‘લગભગ કેટલાં વર્ષ પહેલાંની આ વાત છે ?’ ‘વીસેક વર્ષ પહેલાંની.’ આમ, અતીતની આ વાતો સ્વામીશ્રીની કાવ્યકળાની ગવાહી પૂરી રહી.
-
દિવાળીના વૅકેશનમાં મોકલેલા
તા. 1-12-2016, સુરત આજે બપોરના ભોજન દરમ્યાન પ્રમુખસ્વામી મહારાજના જન્મજયંતી મહોત્સવમાં સાંસ્કૃતિક વિભાગની સેવા સંભાળતા સંતોએ કહ્યું : ‘સારા બાળકોનું સિલેક્શન કરીને તેમને વધુ પ્રૅક્ટિસ માટે મુંબઈ મોકલવામાં આવેલા.’ આ સાંભળતાં જ સ્વામીશ્રીએ પૂ્છ્યું : ‘એમની સ્કૂલનું શું ?’ ‘દિવાળીના વૅકેશનમાં મોકલેલા.’ ‘તો બરાબર.’ કહેતાં સ્વામીશ્રીએ મુખ હલાવીને સંતોષ વ્યક્ત કર્યો. સ્વામીશ્રી હંમેશા સમતોલ વિકાસના હિમાયતી રહ્યા છે. શિક્ષણના ભોગે સેવા-સત્સંગ તેઓને પસંદ નથી.